“મારા ઘરના સભ્યો મને રાજીનામું આપવાનું કહેતા ત્યારે મેં કહ્યું કે જો બધા જ ડૉક્ટર રાજીનામું આપીને ઘરે બેસી જશે તો દર્દીઓની સારવાર કોણ કરશે ? ” આ શબ્દો છે ડૉક્ટર પ્રિયંકાબેન શાહના.... 
અમદાવાદ સિવિલની ડેડિકેટેડ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલની શરૂઆત થઈ ત્યારથી લઈને આજદિન સુધી પ્રિયંકાબેન શાહ કોવિડ કંટ્રોલ સેન્ટર ખાતે સીએમઓ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીના સગાને રીઅલ-ટાઈમ ઈન્ફોર્મેશન મળી રહે તે હેતુથી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે તેનું સંપૂર્ણ સંચાલન ડૉ. પ્રિયંકાબેન કરી રહ્યા છે. 
મને કોરોનાનાં લક્ષણો જણાઈ આવતા RT-PCR રીપોર્ટ કઢાવવાનું નક્કી કર્યું, મારો રીપોર્ટ પોઝિટીવ આવતાં ૧૦ દિવસ હોટલ ખાતે અને બાકીના ૭ દિવસ હું મારા ઘરે આઈસોલેશનમાં રહી હતી. સાત દિવસ ઘરે રહેવા જતાં એવું કહ્યું કે હું હોસ્પિટલમાંથી નોકરી કરીને આવું છું જેથી તમારે બધાએ મારાથી દુર રહેવું તેમ જણાવી ઘરના સભ્યોને દુર રાખતી હતી જેથી મારા પરિવારના કોઈ સદસ્યને ચેપ ન લાગી જાય. 
આજદિન સુધી મારા ઘરના એકપણ સભ્યોને ખબર પડવા નથી દિધી કે હું કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છું તેમજ હું કોરોનાગ્રસ્ત થઈ હતી. 
ડૉ. પ્રિયંકાબેન કોરોનાને મ્હાત આપી પુનઃ ફરજ પર જોડાઈ ગયા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનો માહિતીના અભાવે ચિંતા-તણાવ અનુભવે તે સ્વાભાવિક છે પરંતુ તેમના સ્નેહીજનોને દર્દીની પળે-પળેની માહિતી ટેલિફોન પર આપી તેમની ચિંતા દુર કરવામાં મદદરૂપ બની રહ્યા છે. 
ડૉ. પ્રિયંકા જણાવે છે કે, હું અત્યારે સમાજ અને રાષ્ટ્રની સેવા કરી રહી છું જેનો મને અત્યંત આનંદ છે. કર્તવ્ય ભાવનાનું ઉત્તમ ઉદાહરણ ડૉ. પ્રિયંકાએ પુરૂં પાડ્યું છે તેઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છે. પ્રિયંકાબેન શાહ કોરોનાગ્રસ્ત થયા પરંતુ તેમનો જુસ્સો સહેજ પણ મંદ પડ્યો નહિ. માત્ર ૨૪ વર્ષની યુવાન વય ધરાવતા ડૉ. પ્રિયંકા જેવા કોરાના વોરિયર્સના નૈતિક મૂલ્યો અને ફરજ પ્રત્યેની ઉમદા ભાવના દેશના ઉજ્જવળ ભવિષ્યના રસ્તાના માઈલસ્ટોન છે.

સંકલન - રાહુલ પટેલ 

Post a Comment

Previous Post Next Post